શ્રી કરદેજ કન્યાશાળામાં આપનું સ્વાગત છે...

શ્રી કરદેજ કન્યાશાળામાં ગુજરાતના શિક્ષણ જગતમાં કોઈપણ સરકારી શાળામાં ન હોય એટલા ડીજીટલ ઇનોવેશન અને શૈક્ષણિક સોફ્ટવેર ધરાવતી શાળા સમગ્ર ગુજરાતમાં નામના પામી છે અને અગ્રગણ્ય સ્થાન પામી છે.કલમ અને કમ્પ્યુટર બંનેની કમાલનું કૌશલ્ય એ કાયમ અમારું કૌવત બની ઉભરી આવ્યું છે.સમાજમાં પ્રામાણિક,નિષ્ઠાવાન,સમર્પિત અને જવાબદારીનું વાહન કરી શકે એવા સિંહબાળ બનાવવા અમે સૌ સદૈવ પ્રયત્નશીલ છીએ.ગામલોકોના અભૂતપૂર્વ સહકાર અને હુંફ સાથે અમારા ધેય અને લક્ષ્ય પર આગળ વધી રહ્યા છીએ એ અમારું પોતાનું સૌભાગ્ય છે.

અમે ગોખણપટ્ટી નહિ અનુભવ્યજન્ય જ્ઞાનના હિમાયતી છીએ.જીવંત સ્વાનુભવો પુરા પાડીને અમે દીકરીઓના હૈયામાં હામ અને જુસ્સો ભરવાનું રળિયાત કામ કરીએ છીએ.વિધવિધ ડીજીટલ ઇનોવેશનમાં તમામ કામ દીકરીઓ જાતે કમ્પ્યુટર પર કરી શકે એવી પ્રતિભાવંત પેઢીનું ઘડતર કરવામાં અમે સફળતા મેળવી છે એનું સવિશેષ ગૌરવ છે.

શ્રી કરદેજ કન્યાશાળાએ બાળકોને ૨૧મી સદીની શિક્ષા અને સંસ્કારોની દીક્ષા આપવાના ઉત્તમ અને ઉમદા હેતુ સાથે સમર્પિત શિક્ષક ગણ ધરાવતી સરકારી પ્રાથમિકશાળાનું ઉત્તમ રોલ મોડેલ છે.ધીંગામસ્તી કરતી નિખાલસ ઢીંગલીઓના સદૈવ સ્મિત અને વિશિષ્ઠ ઘડતર કરતી શાળા અનોખી બાલશ્રુષ્ટિ છે.બાળપણની મસ્તી અને કલબલાટ વિસરાય ન જાય તેમજ અંતરનો ઉલ્લાસ નિત્ય બેવડાય એ જોવાનું અમારું કર્તવ્ય અમે સુપેરે નજર સમક્ષ રાખીને શિક્ષણ કાર્ય કરીએ છીએ.

ભાર વગરનું ભણતર એ અમારી શૈક્ષણિક યાત્રાનું અંતરીમ ધ્યેય છે.માત્ર રોજીરોટી કમાવવા માટે નહીં પણ વ્યક્તિત્વ વિકાસ કરવા માટે,વિધવિધ પ્રવૃતિઓ અને પ્રયોગ દ્વારા બાળકના અંતર અને અંદર પડેલું સત્વ અને કૌશલ્ય બહાર લાવવા અમે કાર્યરત છીએ.વિદ્યાર્થીઓમાં જેટલી ક્ષમતા પ્રાપ્ત કરવાની ગુંજાશ હોય તેટલી ક્ષમતાઓ તે પારંગતતાના સ્તરે સિદ્ધ કરે તે માટે બાળકની બૌદ્ધિક અને નૈતિક શક્તિનો મહત્તમ વિકાસ કરીએ છીએ.

सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्||
आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः।
सर्वद्रव्येषु विद्यैव द्रव्यमाहुरनुत्तमम् |आहार्यत्वादानर्ध्यत्वादक्षयत्वाच्च सर्वदा||
જગત પર વિદ્યમાન સર્વ પ્રકારના દ્રવ્યોમાં વિદ્યારૂપી દ્રવ્ય જ સર્વોત્તમ છે; કારણકે તે કોઈથી હરિ શકાતું નથી, તેનું મૂલ્ય થઇ શકતું નથી અને તેનો કદી નાશ કે હાનિ થતાં નથી.